Translate

Translate

Monday, June 29, 2009

મુખ્યમંત્રી શ્રી ને ગામડા અને ખેતી નાં જીર્ણોદ્ધાર માટે પત્ર

મુખ્યમંત્રી શ્રી ને ગામડા અને ખેતી નાં જીર્ણોદ્ધાર માટે પત્ર
માનનીય મુખ્યમંત્રી શ્રી,
ઘણા જ મનોમંથન પછી આપને આ પત્ર લખવા પ્રેરાયો છુ. મને આશા છે, કે જે વિચારો અને સમજ મારી અલ્પબુદ્ધિમાં આવેલી છે, તે આપના સુધી પહોચે, આ સુચનો ઉપર આપની ટીમનાં તજગ્નો દ્વારા ચિંતન થાય અને આ સુચનોમાંથી જેટલા પણ સુચનો અમલ કરવા જેવા લાગે તો તેનો અમલ આપણા ગુજરાતમાં થાય; તો મને લાગે છે કે, ગુજરાતની કાયાપલટ થઈ શકે.. અને એંટલું જ નહી ખેડૂતો અને ગામડાઓ બંનેનો ઉદ્ધાર થાય.
મારી સૌથી પહેલી રજુઆત ખેડૂતોને તેમના ઉત્પાદનનાં પુરતા ભાવો નથી મળતા તે અંગે છે. સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલનાં ભાવો સરકાર નક્કી કરે છે. અને તેલ કંપનીઅપને ખોટ જાય તો તે સરકારમાંથી ભરપાઈ થાય છે, તો પછી ખેડૂતનાં ખેતરમાં જે કંઈ પાકે છે તેના ટેકાનાં ભાવ શા માટે નહી, અને દુધ,દહી, અનાજ પેટ્રોલ કે ડીઝલથી સ્હેજ પણ ઓછા મહત્વનાં નથી. અને પેટ્રોલ કે ડીઝલ વગર કદાચ જીવી પણ શકાય પરંતુ દુધ કે અનાજ વગર તો જીવાય જ નહી; તો એ એટલા સસ્તા શી રીતે હોય શકે.? શું જગતનાં તાતને તેના ઉત્પાદનની પૂરતી કિંમત નહી ચૂકવીને આપણે અન્યાય નથી કરી રહ્યાં..? મને લાગે છે કે, ખેડૂતને તેના અનાજ,શાકભાજી અને દુધ નો ભાવ ડીઝલ કરતા ઓછો મળવો જોઈએ નહી. જો અન્ન અને અન્ય ઉત્પાદનો નો ઓછામાં ઓછો કિલોગ્રામનો ૩૦ રૂપીયા પણ ભાવ મળે તો એક જ રાતમાં ભારત સમૃદ્ધિનાં શિખરો સર કરે..અને તો ગુજરાતની મોટા ભાગની પ્રજા ખેડૂત છે ખેતીકામ કરે છે ગામડામાં વશે છે.તેથી સરકાર અનાજ અને દુધ ઉત્પાદનો નાં ઓછામાં ઓછા ડીઝલની કિંમતે ભાવો આપે તે માંટે બજાર સમિતિઓને ટુંકાગાળાનું બજેટ ફાળવો.. મારા આ સુઝાવને નહી માનવા તરત જ એક સૌથી મોટો તર્ક આવશે કે, અન્ન મોંઘુ થાય તો ગરીબોનું શું થશે? જો અન્ન આટલું મોઘુ થાય તો ભારે અસલામતિ સર્જાય.. તો જવાબ છે એવું કંઈ પણ નહી થાય.. અને જરૂર પડે સરકાર પ્રજાને અન્ન પુરુ પાડે, જેવી રીતે ઉદ્યોગોને ટેક્સ હોલીડે અપાય છે.. જેવી રીતે સબસીડી અપાય છે. પરંતુ કંઈ એવી અન્નની મોંઘવારીની બીકે ખેડૂતોને અન્યાય થવા દેવાય નહી. અને પાનપડીકી, મોજશોખનાં સાધનો કે સૌદર્ય પ્રસાધનો તથા વૈભવ અને સમૃદ્ધિનાં પ્રતિક સમી મોબાઈલ કે અન્ય સેવાઓ જો મોંઘવારી વધતી હોવા છતા પ્રજાની ચિંતા કર્યા વગર અનેકઘણો નફો વસૂલે છે; તો પછી ખેડૂત તેના અન્નનાં તેને પોષાય તેટલા ભાવો મેળવવા પણ હક્કદાર નહી..?
તેવી જ રીતે બીજી વાત એ કે, ખેડૂતોને અપાતી તમામ સવલતો તેમને આવકવેરા માંથી મુક્તિ વિગેરે બંધ કરી દો... કારણ કે આવી સહાય અને મદદ નામે ખરી રીતે તો બેંકરો અને સહકારી માળખાના લોકો તેનું ભયંકર શોષણ કરી રહ્યાં છે. આઝાદીનાં પાંચ દાયકા પુરા થયા હજી ખેડૂતોને ક્યા સુધી લોન,ધીરાણ અને માફી જેવી દુધની બોટલો પર ક્યાં સુધી જીવડાશો.? અને ખેડુતનો માલ જયારે બજારમાં જાય ત્યારે થતા તેના શોષણને આ રીતે અટકાવી શકાય તેમ છે. અને ખેડૂતને ટુકા સમય માંટે જો સરકાર ટેકાનો ભાવ આપે તો સરકારનું તે માત્ર વર્કીગ કેપીટલ હશે. જેથી સરકારી તીજોરી પર પણ કોઈ આર્થિક બોજ નહી પડે. એટલું જ નહી જો ખેડૂતને તેના ઉત્પાદનનાં પુરતા ભાવો મળશે, તો ખેતી આધારિત જીવન જીવી ખેતમજુરી ઉપર નભતા શ્રમજીવીઓને પણ ખેડૂતો દિવસનાં ૧૫૦ રૂ. જેંટલી ઉંચી મજૂરી ચૂકવવા શક્તિમાન બને. અને ખેતી તરફથી ઉદ્યોગ તરફ અને ગામડામાંથી શહેર તરફનું ધ્રુવીકરણ પણ અટકી જાય.
બીજો ડર કદાચ એવો સતાવે કે, ભારતમાં ઉત્પન્ન થતુ અનાજ જો ભારત કરતા ઓંછા દામે વિશ્વનાં અન્ય દેશોમાંથી આવે તો..! તેનો પણ જવાબ છે કે,જો ભારતમાં અન્ય કોઈ દેશ ઓછા દામે અનાજ આયાત કરે તો તેનાં ઉપર ભારતનાં ખેડૂતોને માટે જાહેર કરેલા ભાવ કરતા ઓછો ભાવ નહી થાય તેટલી ડયુટી વધારી શકાય. જો ભારત કરતા કોઈ સસ્તો દુઘનો પાઉડર મોકલે તો તેને અટકાવી દેવો.. આ વાત બરાબર ગાંધીજીએ એક જમાનામાં વિદેશી કાપડ અને વિદેશી વસ્તુઓ સામે માંડેલા જંગ જેટલી જ ગંભીરતાથી સરકારે લેવી જોઈએ. અને સરવાળે થશે સમગ્ર ભારતવર્ષનું ઉત્થાન...
ગત વર્ષે કેન્દ્રની સરકારે પંજાબમાં ઘઉનાં ટેકાનાં ભાવો જાહેર કર્યા.. તથા ગુજરાતમાં સી.સી.આઈએ ટેકાનાં ભાવે કપાસની ખરીદી કરી.. સરવાડે તેનાંથી ખેડૂતોને કેટલો મોટો ફાયદો થયો.. આ સત્યને પણ ધ્યાનમાં લઈ સરવાડે ખેડૂત આર્થિક ગુલામીમાંથી અને શોષણમાંથી મુક્ત થાય તે માટે પરામર્ષ કરવાની જરૂર છે.
આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. પ્રજાનો મોટો ભાગ ખેતી કરે છે. આપણા દેશમાં ખેત ઉત્પાદનોની કિંમત વધશે તો આપઆપ માથાદિઠ આવક પણ વધી જશે. એટલું જ નહી
જો આપણે ત્યાં પાણી પણ જો ૧૦ થી ૧૫ રૂપીયા લીટરનાં ભાવે વેચાતું હોય તો શાકભાજી સસ્તુ શા માટે.? દુધ સસ્તુ શા માટે.?, જુવાર તુવર અને બાજરી કે મકાઈ સસ્તા શા માંટે? અને ખરી હકીકત તો એ છે કે, બજારમાંથી જે ભાવે ખેડૂતે પકવેલો માલ લોકો ખરીદે છે, તેના કરતા અડધી કિંમત પણ ખેડૂતને મળતી નથી. તો એ ખેડૂતોનાં અન્નદાતા બનીને શોષણખોરી કરતા વેપારીઓ અને દલાલો તેમજ વ્યાજખોરોની ચુંગાલમાંથી શું ખેડૂતને છોડાવવો જરૂરી નથી.?
અને બીજુ મહત્વનું કામ એ કરવા જેવું છે કે, ખેતી કરવાનો અધિકાર માત્ર ખેડૂતોનો છે અને ખેડૂતોની જમીન ખેડૂત સિવાય અન્ય કોઈ નહી લઈ શકે તેવો કાયદો ખરેખર તો ખેડૂતોને પોતાની મિલકતની યોગ્ય કિંમત મેળવવાનાં બંધારણીય અધિકારથી તેમને વંચિત રાખે છે. જો કોઈ કંપની પોતાના શેર બજારમાં મુકીને લોકો પાસેથી ફંડ એકઠું કરી શકે.. જો એક ફેકટરીનો માલિક ભારત અથવા વિશ્વની બીજી કોઈ પણ કંપની ને નફો લઈને તેની કંપની વેચી શકે, તો ખેડૂત પોતાની જમીન કોઈ પણ ને શાં માટે ન વેચી શકે.. અને ભારત દેશમાં ખેડૂતને સિવાય અન્ય કોઈ પણ ને ખેતીની જમીન ન લેવા દેવામાં રાજય કે રાષ્ટ્રનું કયું હિત જોખમાય છે.? બીજી દ્રષ્ટિએ વિચારીએ તો ખેડૂતને ખેડૂત રાખવો એટલે તો તેને જગતનો તાત... ધરતીપુત્ર વિગેરે વિશેષણોથી નવાજતા રહેવું અને તેનું બધી જ રીતે શોષણ કરતા રહેવું તે સિવાય બીજો કોઈ અર્થ હોય શકે નહી. તેથી ભારત દેશ જો ખેતીપ્રધાન દેશ છે તો ભારતનો પ્રત્યેક નાગરિક ખેડૂત છે. અને ખેતી કરવાનો પ્રત્યેક નાગરિકને અધિકાર છે. તે અધિકાર આપવાથી સરવાડે ખેડૂતોની પાસે તેની મૂડીરૂપ જે જમીનો છે; તેની કિંમત અનેકગણી વધી જશે. રહી વાત સરકારે ખેડૂતને આપેલી આવકવેરા માંથી મુક્તિની.. તો મને કહેવા દો કે, આઝાદીનાં પાંચ દાયકા પછી આવકવેરો ભરી શકે તેટલી આવક મેળવનાર ખેડૂતો કેટલા છે? કદાચ જ એવો કોઈ ખેડૂત મળશે કે, જેની ચોખ્ખી આવક કરવેરાને પાત્ર થતી હોય.. તેનો અર્થ એવો કરી શકાય કે, ખેડૂતને વેરામાંથી મુક્તિ આપવાની વાત તો લોર્ડ વેલેસ્લીએ સદીઓ પહેલા ભારતનાં રજવાડાઓનું શાસન છીનવી લેવા મુકેલી સહાયકારી યોજના જેવી ભ્રામક છે. અને કરવેરામાંથી મુક્તિનો ખરો ફાયદો માત્ર કેટલાક ગણ્યાગાઠ્યા મુડીવાદી ચોરો જ ઉઠાવી રહ્યાં છે.
દેશમાં આર્થિક અસમાનતા એટલી બધી વધી છે કે, દેશનો ધનાઢય વર્ગ પોતાની પાસેનાં નાણા ખેતીની જમીનો લેવામાં રોકી શકતો નથી તેથી શેર બજારમાં રોકે છે, શહેરોમાં રીયલ એસ્ટેટોમાં રોકે છે. જેનો લાભ દેશનાં માત્ર ગણ્યા ગાઠ્યા બિલ્ડરો અને ધનકુબેરો લે છે અને વધુને વધુ ધનવાન બને છે, બીજી તરફ ખેડૂતો બિચારા જગતના તાતનો ઈલ્કાબ ધારણ કરી પરાણે જીવન વેઢારતા વેઢારતા પોતે જમીનદાર હોવાનો ગર્વને પોષતો રહે છે. અને દર વર્ષે જમીનદારીને નિભાવવા ધીરાણ અને લોનનાં થીગડા મારતો મારતો જીવન પુરુ કરી વારસામાં દેવુ આપીને સ્વર્ગે સિધાવી જાય છે. પરતુ તેનાં નસીબમાં સુખી થવાનો યોગ આવતો જ નથી. બિનખેડૂતો જો ખેતીની જમીન ખરીદતા થાય તો ખેડીતોને તેની ખેતીની જમીનની યોગ્ય કિંમત મળે, એટલું જ નહી આજે જે બજાર કિંમત ખેતીની જમીનની હોય તેનાં કરતા ઓછામાં ઓછી ત્રણગણી કિંમત વધી જાય.. અને ચપટી વગાડતા ખેડૂતો દેવામાંથી મુક્ત થાય. ખેડૂત બનવા અને બનાવવાનાં કૌભાંડો અટકી જાય.. મોટી રકમનાં સોદાઓ થાય તો સરકારને પણ ફાયદો થાય. સાથોસાથ ખેતીનું ક્ષેત્ર મુક્ત થતા વૈગ્નાનિક અભિગમ આવે. ભણેલા ગણેલા લોકો ખેતીનાં ક્ષેત્રમાં આવી શકે.
મારૂ ત્રીજું નમ્ર સુચન છે કે, ગુજરાતને ઔદ્યોગોક કોરીડોર બનાવવા અને વિશ્વનાં લોકો આકર્ષાય તેવું બેનમુન બનાવવાનાં આપના પ્રયાશો છે. પરંતુ ગામડાની હાલતમાં કોઈ ખાસ સુધારો આવ્યો નથી. ગુજરાતનાં ગામડાઓમાં દરેક ગામમાં ગુજરાત સરકાર બે કી.મી નો આંતરિક પાકો રસ્તો બનાવી આપે..અને પીવાનું પાણી મીનરલ મળે તેવી વ્યવસ્થા ગોઠવી આપે તે એકદમ જરૂરી છે. આ કામ સરકારી એજન્સીઓ સારી રીતે નહી કરી શકે પરંતુ કોઈ સેવાભાવી એન.જી.ઓને આ કામ સોંપવામાં આવે તો ચોક્કસ ધાર્યુ પરિણામ આવે.
અને છેલ્લું સુચન.. કે ગરીબી ની રેખા નીચે જીવતા પરિવારમાંથી એક સભ્યને સરકાર રોજગારી આપે.. અથવા તો બેકારી ભથ્થુ આપે.
આપને જણાવતા અત્યંત દુખ અનુભવું છું કે, આપની સરકારનાં મહેસુલ વિભાગ દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થાય છે. હક્કપત્રકની નોધ યોગ્ય રીતે દાખલ થતી નથી. નિર્ણયો લેવામાં ભારે ભ્રષ્ટાચાર થાય છે. બિચારા ખેડૂતને અનેક ધક્કા ખાવા પડે છે. કલેક્ટરથી માંડીને મામલતદાર કચેરીનાં કારકુન સુધીનાં તમામ લોકો ખેડુતને સમજતા નથી. આડેધડ નોંધો રીવીઝનમાં લેવાય છે. સરકારનાં સુચન છતા જુની શરતમાં ફેરવવાની કામગીરી કરાતી નથી. આ અધિકારીઓને બોલાવી સમજાવો કે તેઓ પ્રજાનાં માલિક નથી પણ સેવક છે. આ ખેડૂતો ખેતરમાં તનતોડ મજૂરી કરે છે ત્યારે તેમને ધરોના ગેસ ચુલાઓ રાંધી શકે છે. માટે ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ રાખે. કોમ્પ્યુટરાઈઝડ નકલો બનાવવામાં થયેલી ભૂલની સુધારણામાં અમારા ભરૂચ જીલ્લાનાં વાલીયા તાલુકામાં જ અનેક ખેડૂતોનાં કટીયાઓ માં આડેધડ નોંધો પાડી દેવાઈ છે. તો ભરૂચની કલેક્ટર કચેરીમાં આર.ટી.એસની ટીમ જાણે દારૂનાં દરોડા પાડતા હોય તેમ વર્ષો જુની નોધો કે જેમાં જે તે વખતે કર્મચારીએ ભૂલ કરી હોય તેનો ભોગ ખેડૂતોને બનાવી રીવીઝનની કાર્યવાહી કરી રહ્યાં છે.
શક્ય બને તો ગુજરાતમાં એવી વ્યવસ્થા ગોઠવો કે, મામલતદાર, તાલુકા પંચાયત અને કોર્ટોમાં જે પક્ષકારો આવે તેમને એક પટાવાળા દ્વારા પાણી આપવામાં આવે, તેમની સમસ્યા કે કામ ની નોંધ તરત જ એક રજીસ્ટરમાં લખી લેવાય તથા તે વ્યક્તિને કેટલા સમયમાં કામ કરી આપવામાં આવ્યુ તેની નોંધ કરવામાં આવે તેટલી વ્યવસ્થા કરી આપવા જેવી છે.
ખેડૂતો તથા ગામડાઓની દયનીય સ્થતિ દૂર કરવા મને સુઝેલા ઉપરોક્ત ઉપાયોને આપના તજગ્નો દ્વારા વિચારવામાં આવે. જરૂર પડે નક્કર આયોજન સાથે ટકાનાં ભાવો તથા ખેતીની જમીનનાં મુક્ત ખરીદ વેચાણથી થતા ફાયદાઓ અને ખેડૂતની ઉન્નતિનો વિચાર રજુ કરવા આપ બોલાવો ત્યારે આવી ચર્ચા કરવાની મારી તૈયારી છે. અને આ કામ જો કેન્દ્ર સરકાર કરી શકે તેમ હોય તો મારી નમ્ર વિનંતિ છે કે, કેન્દ્રમાં બેઠેલી સરકારને પણ આપ દિસાસૂચન કરો... વીર સાવરકર.. પંડીત દિનદયાળજી અને શ્યામાપ્રસાદ મુખર્જીની ચિંતા અને ચિંતનને પચાવનાર ભડવીર પાસે ગુજરાતનો હું સામાન્ય નાગરિક મારા આ નમ્ર સુચનોનો અમલ કરવા હકારાત્મક અભિગમની અપેક્ષા રાખું છુ.
લી. ભવદીય,

ધર્મેન્દ્રસિંહ ગેમલસિંહ રણા
ગણેશનગર,
તાલુકા પ્રાથમિકશાળા સામે,
વાલીયા જીઃ ભરૂચ

No comments: