Translate

Translate

Tuesday, July 7, 2009

જનનીની જોડ સખી નહી જડે રે લોલ...

માતાનું ભારતીય વિચારધારાએ વૈશ્વિકરણ એ રીતે કર્યું છે કે આપણે ગાય, નદી, પ્રુથ્વી, દેશ (ભારતમાતા), અરે જગત નિર્માણ કરનારી માયાશક્તિને પણ માતા કહીએ છીએ.પરંતુ જન્મ આપનારી જનેતા એ માતૃત્વનાં તમામ તત્વોમાં બેજોડ છે. એક માણસનો બીજા માણસ સાથેનો સંબંધ બંધાતા ની સાથે જ જગતમાં સમાજ અસ્તિત્વમાં આવ્યો.. અને આજે સામાજિક સંબંધો અગે અનેક શાસ્ત્રો રચાઈ ચૂક્યા છે... અને સંબંધો અંગે અનેક વિવાદ ચર્ચાઓ ચાલી રહી છે. સ્ત્રીપુરુષનાં સંબંધે તો દુનિયાભરમાં કાગારોળ મચાવી છે. અને જાતજાતનાં સંબંધો અંગે હુક્કોની માંગણી પણ કરવામાં આવી રહી છે.પરંતુ જગતનાં તમામ સમાજશાસ્ત્રીઓ એ એક વાતમાં એકમત થવું પડે તેમ છે.. અને તે બાબત અટલે જગતભરમાં માનવીય સંબંધોમાં નહિવત્ સ્વાર્થ અને હજારો ઘણા પ્રેમનો જો કોઈ સંબંધ હોય તો તે છે.. માતા અને તેનાં સંતાનનો સંબંધ...
જયારે જયારે મને મારૂ બાળપણ યાદ આવે ત્યારે અચૂક અનેક વિપત્તિઓ.. સમાજની ઠોકરો... અને એવા એવા દુઃખો કે જેનો અત્યારે આપણે વેઠવાની વાત બાજુ પર રહે પણ વિચાર કરતા જ મોટી આફત આવી પડી હોય તેવો અહેસાસ થાય તેવા દુઃખો સહન કરીને મને સમાજની નજરમાં પ્રતિષ્ઠિત બનાવવાનાં પ્રયાસરૂપે હાડ ઓગાળનારી મારી મમ્મી અચૂક જ યાદ આવી જાય... એના દેહાવસાનને ઘણા વર્ષો વીત્યા પણ હજીએ એ મારી સ્વપ્નસૃષ્ટિમાં અચૂક આવી જાય છે. અને સમાજ અને સંસારની કોઈ વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે એનું જીવન અને એ જનેતાનાં કર્તવ્યો યાદ કરતા જ નવું જોમ આવી જાય છે.
હમણા જ થોડા દિવસ પહેલા મારી દિકરી દેવાંશીએ મને પુછયુ કે, પપ્પા શાળામાં કવિતાપઠન કરવાનું છે; કયું કાવ્ય વાંચું..અને મને જે પહેલુ કાવ્ય એના માટે સ્ફુર્યુ તે હતુ, કવિશ્રી બોટાદકરનું આ કાવ્ય... જેની એક એક પંક્તિ જન્મદાત્રી માતાનાં વ્યક્તિત્વને બાંધી આપે છે. સાથે સાથે કવિએ જગતનાં જે કોઈ સુંદર પદાર્થો.. છે તે તમામ ની જનેતા સાથે સરખામણી કરીને ખૂબ જ સુંદર રીતે સાબિત કર્યું કે.. જનનીની જોડ સખી નહી જડે રે લોલ...
ગુજરાતી કવિ દુલાભાયા કાગે કહ્યુ. કે... મુખથી બોલું માં ત્યારે મને સાચે જ બચપણ સાંભરે.. પછી મોટાપણાની મઝા બધી કડવી લાગે કાગળા.. આપણી સંસ્કૃતિનો આધારસ્થંભ એવા ઉપનિષદને જોઈએ તો તૈત્તરિય ઉપનિષદ પણ કહે છે.. માતૃદેવો ભવ.. માતાને દેવ માન..જગતનાં તમામ સાંસારિક સંબંધોમાં સર્વ શ્રેષ્ઠ એવો માં–દિકરા નો સંબંધ છે.. ગુજરાતી સાહિત્યનાં કવિ બોટાદકરે માતૃવંદના કરતા ખૂબ જ સુંદર કાવ્ય રચ્યું છે.
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલએથી મીઠી તે મોરી માત રે

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,એનો નહિ આથમે ઉજાસ રેજનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
દુનિયાની સૌથી મીઠી વસ્તુ કદાચ મધ હશે અને બીજી રીતે જોઈએ તો વરસાદ આવે તેથી જ આપણા સૌનું જીવન શક્ય બને છે તેથી મધુ અને મેહુલો એ બે જગતની મીઠી વસ્તુ ગણાય.. ત્યારે અહી કવિ તેની કાવ્યશક્તિ પ્રયોજી કહે છે કે, આ બે કરતા પણ મીઠી મારી માતા છે. માતાનો વિશેષ પરિચય આપતા કવિ તેને પ્રભુનાં પ્રેમની પૂતળી એટલે કે જગત્પતિનાં પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ ગણાવે છે. કહે છે અમીથી ભરેલી એની આંખ છે; અને માતાની વાણી વિશે જણાવી દે છે કે, વ્હાલથી ભરપૂર વેણ છે..! માતાનું આગળની પંક્તિઓમાં વર્ણન કરતા કવિની કલમ થાકતી નથી.
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,શશીએ સિંચેલ એની સોડ્ય રે.. આ પંક્તિઓમાં કવિ બે અદભૂત રૂપક પ્રયોજે છે, દેવોનો જન્મ થતો નથી. તેથી દેવોનાં અનેક વૈભવનું વર્ણન ભલે પૂરાણોમાં હોય પરંતુ માતાનો પ્રેમ તો દેવોને પ્રાપ્ત ન હોવાની હકિકતને સુંદર રીતે રજુ કરે છે. અને બીજા રૂપકમાં માતાનાં અંકમાં(ખોળા) માં ચંદ્રમા જેવી શીતળતા હોવાની વાત કવિએ મૂકી છે.
જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કૈંક ભર્યા કોડ રે … માતાની આંગળી પકડીને ચાલ્યા હોઈએ તો આ પંક્તિનો અર્થ સમજાય.. બાળકે જ્યારે માતાની આંગળી ઝાલી હોય છે ત્યારે એનો રૂઆબ કંઈ જુદો જ હોય છે... અને ભીડ વચ્ચે જ્યારે થોડીવાર માટે પણ આગળી છૂટી જાય ત્યારે શું થાય તેની તો બાળકને જ ખબર પડે.. આ પંક્તિ ગાતા ક્ષણભર પોતાની મોટાઈનો ઝભ્ભો ઉતારી બાળક બની જવુંપડે. અને એના કાળજામાં કેટકેટલા અરમાન તેણે સેવ્યા હશે તેની તો માં બનીએ તો જ જાણ થાય. પછીની પંક્તિઓ પણ આ જ ભાવ દર્શાવે છે..ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે … મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લહાણ રે. આ પંક્તિઓ કવિનો માતૃપ્રેમ દર્શાવે છે. ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,અચળા અચૂક એક માય રે …
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે … વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,માડીનો મેઘ બારે માસ રે …ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ, એનો નહિ આથમે ઉજાસ રે આ પંક્તિઓમાં પણ સુંદર રૂપક પ્રયોજાયા છે. ગંગાને ભારતીયો માતા તરીકે પૂજે છે. પરંતુ અહી કવિ ગંગા માતા કરતા પણ પોતાની જનેતાને ચડિયાતી દર્શાવે છે; અને મનભાવન તર્ક રજુ કરે છે કે, ગંગાનાં પાણી વરસાદ કે બરફ પીગળે ત્યારે વધતા ઘટતા રહે છે; પરંતુ માતાનાં પ્રેમનો પ્રવાહ એવો છે જે ક્યારેય વધ ઘટ થતો નથી. અને ફરીથી મેહુલીયા કરતા માતાને ચડીયાતી ગણાવતા જનેતાનો સ્નેહ બારેમાસ વહેતો રહેતો હોવાનું જણાવે છે; અને ચંદ્રમાની ચાંદનીમાં પણ ડાઘ દેખાય છે; જ્યારે માડીનો ઉજાસ ક્યારેય આથમતો નહી હોવાની રજુઆત કરે છે.
આ કવિતાનાં પરિપેક્ષમાં બીજી એક વાત સ્ત્રીઓ માટે કહેવાનું મન થાય કે, આજે સ્પર્ધા અને હરિફાઈનો જમાનો આવ્યો છે, તમામ ક્ષેત્રોમાં મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા ચળવળો ચાલી રહી છે. પરંતુ માતૃત્વનો ઈશ્વરે આપેલો અધિકાર માત્ર સ્ત્રી શરીરને જ મળેલો છે. તેથી પુરુષ સમોવડી થવાનાં નાદમાં માતૃત્વનો ભાવ ન ખોઈ બેસીએ, એટલું જ નહી ક્યારેક એ ગૌરવ લેવાને લાયક ન રહીએ તેવું વર્તન ન કરી બેશાય તેની કાળજી સ્ત્રીઓએ પણ રાખવી જોઈએ.
પ્રેમ શબ્દ એટલો બધો આજનાં સમયમાં લીસ્સો થયો છે કે, આપણને પ્રેમ શબ્દ સાંભળતા માત્ર વિજાતિય આકર્ષણ જ યાદ આવે. ત્યારે જનેતા સ્ત્રીનું જનેતા તરીકેનું અદભૂત સ્વરૂપ પ્રગટ કરતી આ કવિતા માં રજુ થયેલા ભાવો જો આપણે આપણા ચિત્તમાં ધારણ કરી શકીએ અને તો સ્ત્રીઓમાં માતૃત્વની દ્રષ્ટિ એ જોવાની સમજ સમાજમાં જો દ્રઢ થાય તો અત્યારનાં સંજોગોમાં જે કોઈ પણ સમસ્યાઓ આપણને આવી સમજનાં અભાવને કારણે ઉભી થયેલી જણાય છે તે ચપટી વગાડતા દૂર થઈ જાય... અને આજકાલ જે કિસ્સાઓ માધ્યમોમાં ચર્ચાઈ રહ્યાં છે, અને સમાજમાં સ્ત્રીઓ વિરુદ્ધનાં ગુનાઓ જે રીતે વધી રહ્યાં છે તે જોતા પણ દરેક સ્ત્રીને ઈશ્વરના વરદાન રૂપે મળેલા માતાનાં, જનેતાનાં સ્વરૂપે જોઈએ એની પૂજા કરીએ એજ અભ્યર્થના... ધર્મેન્દ્રસિંહ રણા

નોધઃ આ લેખ વાંચીને જો તમને પણ તમારી જનેતા વિશે કંઈ પણ લખવાની ઈચ્છા થઈ જાય તો તમારી કોમેન્ટ અવશ્ય આપશો.