Translate

Translate

Thursday, October 23, 2008

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે


ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.ગણ્યું જે પ્યારું પ્યારાએ,અતિ પ્યારું ગણી લેજે!
મૂર્ધન્ય કવિ શ્રી બાલાશકર કંથારીયા ની આ પ્રાર્થના આપણા મનને દુઃખોથી મુક્ત થવાનો સુંદર રસ્તો બતાવી જાય છે. ખરેખરતો આ જગતમાં જીવ તરીકે આપણે જન્મ્યા છીએ.. અને જગતનાં બધા જ દુઃખો ભોગવનાર આપણે શરીર,મન,બુદ્ધિ અને અહંકારવાળા છીએ, એ સમજ જ મોટી ભ્રાંતિ છે. પરંતુ એ ભ્રાંતિ જયાં સુધી દૂર નહી થઈ હોય ત્યાં સુધી શરીરને હું માનનારા આપણા જેવા માટે દુઃખ મુક્તિનો કે હળવાસનો એક માત્ર ઉપાય આ કવિતા જણાવે છે. ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે. અને તે પણ કેવી રીતે? અતિપ્યારું ગણી ને...
આપણા પ્રત્યેકનાં જીવનમાં કેંટલાયે પ્રસંગો એવા બનતા હોય છે, કે જેમાં આપણને સ્પષ્ટતાથી એ સત્ય સમજાય કે મારૂં ચાલ્યું નથી.. અને એવા પ્રસંગો કદાચ આપણા જીવનમાં ઈશ્વર એટલા માટે જ લાવતો હશે કે જેથી કરીને એ ઈશ્વરની સર્વોપરિતાનો આપણા જીવનમાં સ્વીકાર થાય. કંઈ પણ સારુ થાય ત્યારે તેવા શુભ–લાભ ની ઘડીએ ઈસ્વરનો એ પરમ પ્રસાદ માનીને સ્વીકાર કરવાથી આપણો અહંકાર નિર્મૂળ થાય છે. અને જયારેભ કોઈ દુઃખ આવી પડે ત્યારે પણ અને પ્રસાદ તરીકે સ્વીકારવાથી મન ઊપરનો બધો જ બોજ હલકો થઈ જાય છે.. અને તેથી જ આ પરમ સત્યનો સ્વીકાર એ આધ્યાત્મિક જીવનનું પ્રથમ પગથીયું પણ ગણી શકાય.. જગતમાક્ષ સર્વ કંઈ એ સરજનહારની મરજી થી જ થાય છે.. એ સત્ય જ છે. સૂર્યનું ઊગવું અને આથમવું..., રાત–દિવસ, અરે..! વિચાર કરો તો આપણા હૃદયનાં ધબકારા અને લોહીનું પરિભ્રમણ તથા અન્નનું પાચન વિગેરે ક્રીયા શું આપણે આપણી ઈચ્છા કે શક્તિથી કરીએ છીએ? ના. તો પછી જો જગત ચાલે છે ઈશ્વરની શક્તિ હોય અને આપણું શરીર પણ એ જ ઈશ્વરની શક્તિથી ચાલતું હોય તો પછી તેવા શરીર દ્વારા મળેલા ફળનાં આપણે માલિક શી રીતે..?
બીજી પંક્તિમાં પણ એજ સત્યને બીજા દુઃખનાં પ્રસંગોમાં સ્વીકારવાનું કહેતા સ્પષ્ટ કરે છે કે,
દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!
મોટા ભાગે સમાજમાં એવું બનતું હોય છે, આપણે જેમને પોતિકા માનીએ છીએ અને જેઓનાં માટે ઘસાયા હોઈએ છીએ તેમના તરફથી ક્યારેક એવા વાક્બાણ સહેવા પડે જે સહન જ ન થાય.. અને ત્યારે કવિ કહે છે કે, જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.. કારણ કે જો શાસ્ત્રની વાત માનીએ તો આપણા જો કોઈ પાપકર્મનાં ફળ સ્વરૂપે આવી વાણીનાં ઘા સહેવા પડે છે.. આવું કહેનાર તો માત્ર નિમિત્ત જ હોય છે. અને તેવી જ રીતે આખા જગતનાં પાલન પોષણ ની જવાબદારી જો સર્જનહારની સ્વીકારીએ તો પછી જગતનાં કાજી થઈને દુઃખી થવાનું કોઈ જ કારણ નથી. ‘‘કચેરી માંહીં કાજીનો ,નથી હિસાબ કોડીનો.જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!’’
બાળપણમાં મેળામાં કોઈક વાર કાચનાં ટુકડાઓ અને અરીસાની મદદથી બનાવેલું કેલીડોસ્કોપ નામનું યંત્ર બધાએ જોયું હશે.. ભૂગળીમાં રાખેલા ત્રણે બાજુએ અરીસાનાં કાચમાં રહેલા રંગબેરંગી બંગડીનાં ટુકડાઓને જેટલી વાર ફેરવવામાં આવે તેટલી વાર જુદી જુદી ભાત ઉપસે છે. બરાબર કેલીડોસ્કોપની જેમ આ જગત પણ પેલા કાચનાં યંત્ર જેવું જ છે. જગતના કાચના યંત્રે ,ખરી વસ્તુ નહીં ભાસે. નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે! વળી, કહે છે...રહેજે શાંતિ સંતોષે ,સદાયે નિર્મળે ચિત્તે. દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!.. ભગવદ્ગીતા કહે છે.. સુખેષુ અનુદ્વિગ્ન્ મનઃ દુઃખેષુ વિગતસ્પૃહ. વિતરાગ ભય ક્રોધ સ્થિતધિર્મુનિઃ ઊચ્યતે.. અને ક્રોધ તો જીવમાત્રનો સૌથી મોટો દુશ્મન છે એને ત્યજીને ભલાઈની ઘડીને મહાલક્ષ્મી ગણીને જીવન જીવવા કવિ સમજાવે છે.
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજેઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!
રહે ઉન્મત્ત આનંદે ,ખરું એ સુખ માની લે.પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!
આ જગતમાત્ર જો ઈશ્વરનું સર્જન છે તો તેની દરેક સ્થિતિ અને આપણા જીવનમાં આવતી દરેક ઘટનાને પરમાત્માનો ઉપહાર સમજવામાં આવે તો એક વાત તો સ્પષ્ટ જ થાય અને તે એ કે, આપણું ધ્યાન આ આખીયે સૃષ્ટીનો ચાલક ચોક્કસ રાખી રહ્યો છે. અને ઈશ્વરનાં સાનિધ્ય અને શરણાગતિનું સુખ તો જગતનાં બધા જ સુખોની સરખામણીમાં ખૂબ જ મોટું છે. દ્રષ્ટાંત પૂરતા વિચાર કરીએ તો થોડીક જ વાર માટે માતાથી વિખૂટા પડેલા બાળકને જેવી તેની માતા દેખાય અને એક શ્વાસે દોડતું જઈને પેલું બાળક તેની મા નાં ખોળામાં ભરાઈ જાય છે.. આ માતાની ગોદમાં નાનકડા બાળકને કેવો આનંદ મળે છે તે દ્રષ્ય નજર સમક્ષ લાવીએ તો તરત જ ઈશ્વરની શરણાગતિનાં આનંદ કેવો હોય તે સમજી શકાશે. અને આગળ સમજાવતા કવિ ખૂબ જ સુંદર રીતે લાલબત્તિ ધરીને જાણે કે ચેતવણી આપી દે છે.. કહે છે.. વેરી એવા ચિત્તમાં વસનારો ક્રોધ કોઈ પણ સંજોગો કે પરિસ્થિતિમાં કરવા જેવો નથી, અને એવા ક્રોધને સદંતર ત્યજી દેવા કવિ સુચવે છે.
કટુ વાણી સુણે જો કોઇની ,વાણી મીઠી કહેજે પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!
એકે એક પંક્તિને મનભરીને આપણા અંતરમનમાં વિહરવા દેવા જેવી છે.. કોઈનીયે કડવી વાણી સાંભળીને શું કરવાનું તે સમજાવતા કેટલાં સુંદર શબ્દો છે.. સવારથી સાંજ સુધી આપણે કેટલા બધા અભિપ્રાયો આપીએ છીએ.. અને મોટાભાગનાં વેરઝેર,કટુતા અને ઝઘડાનું મૂળ કારણ તપાસીએ તો આપણે બીજી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે બાંધી દીધેલો અભિપ્રાય જ હોય છે. એવી પરાઈ મૂર્ખતા કાજે આપણે શાં માટે કડવી વાણી બોલવી જોઈએ.
આગળની પંક્તિઓમાં તો સમગ્ર વૈદિક શાસ્ત્રમાં વર્ણવાયેલા કર્મનાં સિદ્ધાંતના સારને વર્ણવવાનો કવિનો પ્રયાસ જણાય છે.
અરે ! પ્રારબ્ધ તો ઘેલું ,રહે છે દૂર માંગે તો ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!
રહી નિર્મોહી શાંતિથી ,રહે એ સુખ મોટું છે જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !
પ્રારબ્ધ એટલે આપણા અગાઉ કરેલા કર્મોનું ફળ.. આપણા શાસ્ત્રોમાં આ વાતને ઘણા જ વિસ્તારથી સમજાવી છે.. ટુંકમાં અભિવ્યક્ત કરીએ તો ઈશ્વર કર્મફ્ળનો દાતા છે.. આપણે કરેલા કર્ફમોનાં ફળ ચોક્કસ મળે છે.. પરંતુ કયાં કર્મનું ફળ ક્યારે આપવું તે પરમાત્મા નક્કી કરે છે..તેથી કોઈ પણ કર્મ કર્તવ્ય તરીકે મોહ પામ્યા વગર કરી દેવું અને ફળની આકાક્ષા છોડીને રહેવાની ફકીરીની વાત ને શબ્દરરૂપ અહીયા આપીને છેલ્લી પંક્તિઓમાં ઈશ્વરની સંપૂર્ણ શરણાગતિનો મહિમા કવિએ વર્ણવી દીધો છે...
પ્રભુના નામનાં પુષ્પો ,પરોવી કાવ્યમાળા તું.પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !
કવિ રાજા થયો શી છે ,પછી પીડા તને કાંઇ?નિજાનંદે હંમેશાં ‘બાલ‘ મસ્તીમાં મઝા લેજે !
કવિના જેવી નિજાનંદની મસ્તી આવે ત્યાં સુધી શબ્દ અને સૂરતાનો સાથ પરમાત્મા છોડાવે નહી તેવી જ હૃદયની પ્રાર્થના સાથે બાલાશંકર કંથારીયાને પ્રણામ... અને સૌને દિપાવલી અને સાથોસાથ આવનારા નૂતન વર્ષની શુભકામનાઓ....
–ઘર્મેન્દ્રસિંહ રણા