Translate

Translate

Sunday, October 18, 2009

HAPPY NEW YEAR

નવા વર્ષની શુભેચ્છાઓ
આદ્ય શંકરાચાર્યજી એ એક સ્તોત્રમાં ખૂબ જ સુંદર શ્લોકમાં વર્ણન કર્યું છે કે,
आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनम्
प्रत्यायान्ति गता पुनर्न दिवसाः कालौ जगत्भक्षकः
लक्ष्मीस्तोय तरंग भंग चपला विद्युत्चलं जीवितं
तस्मान्मां शरणागत शरणदः त्वं रक्षरक्षाधूना ..
અર્થાત્
દરરોજ આયુષ્યનો અંત આવી રહ્યો છે.. અને યૌવન પણ સતત ક્ષય પામી રહ્યું છે. જે દિવસ વીતી જાય છે તે કદીય પાછો આવતો નથી.. કાળ એટલે કે સમય જગતનું ભક્ષણ કરી રહ્યો છે..
લક્ષ્મી એટલે કે સંપત્તિ તો પાણીનાં તરંગ જેવી ચંચળ છે; અને વીજળીના ચમકારા જેટલું ક્ષણભંગુર જીવન છે. માટે હે શરણાગત વત્સલ શંકર..! મારુ હમણાં જ રક્ષણ કરો...
જોતજોતામાં સંવત ૨૦૬૫ ના ૩૬૫ દિવસો અને કારતક થી શરૂ કરી આસો સુધીનાં બાર મહિનાઓ વીતી ગયા.. કેલેન્ડર બદલાઈ ગયું અને સંવત ૨૦૬૬ નું પ્રસન્ન થઈને આપણે સ્વાગત કરી રહ્યાં છીએ. નવા વર્ષનાં મંગળ પ્રભાતને સત્કારવા દર વર્ષે આપણે નવલાં વસ્ત્રો પરિધાન કરીને પરસ્પર એક બીજાને શુભેચ્છાઓ અર્પણ કરીને આશિષ આપીને ઊજવતા રહ્યાં છીએ...પરંતુ દર વર્ષે ચોક્કસપણે આવતું આ પર્વ ઊજવવાનાં ઉત્સાહમાં આપણે ખરેખર આપણા ક્ષણભંગુર જીવનનો વિચાર કરવાનું ચૂકી જઈએ છીએ.

દર દિવાળીએ ઘરની તમામ ચીજવસ્તુ અને દિવાલ સહિત આખા ઘરને સાફ કરવાનું આપણે ક્યારેય ચૂકતા નથી.. પણ કદીય આપણા મનમાં સતત જમા થઈ રહેલા એકબીજા પ્રત્યેનાં રાગ દ્વેષ અને ઈર્ષા જેવા મનનાં મંદિરમાં ઘર કરી ગયેલા દુર્ગુણોની સફાઈ કરવાનો વિચાર શુદ્ધા ક્યારેય આવતો નથી...!

દર નવા વર્ષે નવા વસ્ત્રો પરિધાન કરવાનું આપણે મોટાભાગે ચૂકતા નથી.. પરંતુ આ વિચાર કરવાનું ચૂકી જઈએ છીએ કે જે શરીરને નવા વસ્ત્રો પરિધાન કરાવીએ છીએ તે શરીર સતત અને અવિરતપણે જુનુ થઈ રહ્યું છે...!

દર ભાઈ બીજે બહેન ભાઈને બોલાવવાનું ચૂકતી નથી અને ભાઈ પણ બહેનને પોતાની હેસિયત અને ભાવના અનુસારની ભેટ આપવાનું વિસારતો નથી.. પણ સંબંધોમાં રહેલી સ્વાર્થવૃત્તિ ઓછી થાય તેવું આત્મચિંતન કરવાનું કદાચ જ યાદ આવે છે..!

લાભપાંચમનું ચોપડાપૂજન કરવાનું નહી ચૂકનારા અને વેપાર ધંધાની જગ્યા સહિત તમામની શુદ્ધિ કરનારા આપણે સૌ બાહ્યાભ્યંતર શુદ્ધિની વૈદિક પરંપરા યાદ રાખી ને રાગદ્વેષ ની બાદબાકી કરીને ઈશ્વરપ્રાપ્તિની દિશામાં એટલે કે પરમ સુખની પ્રાપ્તિના આપણા અંતિમ લક્ષ્ય સુધી આપણી ગતિ થઈ કે નહી તેનો વિચાર કરવાનું ચૂકી ગયા છીએ...!

નવા વર્ષે આદ્ય શંકરાચાર્યજીએ શ્રી શિવાપરાધક્ષમાપન સ્તોત્રમાં દર્શાવેલા આ અદ્ભૂત વિચારનાં અર્થનું ચિંતન કરીએ તો સમજાય કે, આપણે શરીર અને મળેલા આયુષ્યનાં આધારે આખો સંસાર રચેલો છે તે આયુષ્ય તો પ્રતિદિન પ્રતિક્ષણ નાશ પામી રહ્યું છે.. અને જે જગત ને આપણે સાચું માનીએ છીએ તેનો તો કાળનાં દેવતા સતત ગ્રાસ કરી રહ્યાં છે. ગઈ કાલે જે હતું.. ગયા વર્ષે જે હતું અને આપણા જીવનનાં ભૂતકાળનો વિચાર કરો તો તે જીવનમાં જે કંઈ પણ મેળવ્યું તેમાંનું કંઈ પણ આજે જેવું હતું તેવું ને તેવું રહ્યું નથી... જે કોઈ ભોગો આપણે ભૂતકાળમાં ભોગવ્યા તે હવે માત્ર ગઈ કાલે રાત્રે જોયેલા સ્વપ્ન કરતા વિશેષ મહત્વનાં નથી.. ભૂતકાળમાત્ર સ્વપ્નવત્ રહ્યો છે.
આપણી લાખ કોશીષો પછી પણ ગયેલો સમય પાછો ફરવાનો નથી.. અને હવે પછીની ક્ષણ કેવી હશે તે આપણે કોઈ જાણી શકવાનાં નથી..

સતત જગતમાં દ્રષ્ટી કરીએ અને જગતની પરીક્ષા કરીએ તો સમજાશે કે, આ જગતનું કઈ પણ આવતી કાલે રહેશે કે કેમ તે કહી શકાય તેમ નથી. ગયા વર્ષે નવા વર્ષની ઉજવણી જેની સાથે આનંદથી કરી.. જેમને શુભેચ્છાઓ આપી તેવા કેટલાં સ્વજનો આ નવા વર્ષે આપણી સાથે નથી.. એ હકીકત શંકરાચાર્યજીનાં શબ્દોને સાબિત કરે છે કે.. વીજળીના ચમકારા જેવું જ ક્ષણભંગુર જીવન છે...
એક કવિએ ગુજરાતી ભાષામાં રહેલી કાવ્યપંક્તિઓ યાદ આવે છે..
કાળની વણઝાર ચાલી જાય છે..
ચાલી જશે.
પ્રાણ થઈ જાશે પલાયન ખોળયું ખાલી થશે.
હર પ્રભાતે ચેતવે છે કૂકડા કેરી પૂકાર..
જાગ ઓ નાદાન એક રાત ઓછી થઈ ગઈ.
આયખું ખૂટી જશે કદી કીધો વિચાર..
આપણામાં થી જો કોઈને એમ હોય કે, સંપત્તિ પ્રાપ્ત કરી હોય તો બધા જ સુખો આવી જાય છે. પરંતુ આ વિષ્ણુપ્રિયાનું એક લક્ષણ જે આપણે ભૂલી ગયા છીએ તે યાદ કરાવતા ભગવાન શંકર કહે છે.. લક્ષ્મી તો પાણીની ઉપરની લહેર જેવી ચંચળ છે.. આ વાત કદાચ આપણને કડવી લાગે તો પણ સૂર્યનાં ઉદય અને અસ્ત જેટલી સાચી છે. વહેતા ઝરણા જેવી લક્ષ્મીને તમે રોકી બંધ બાંધવા ઇચ્છતા હો તો ભલે તેમ કરો પરંતુ જો આ બંધમાંથી નહેરોમાં પાણી વહેવાનું બંધ થાય તો તેનો અવશ્ય નાશ થાય છે. જો આપણી પાસે આવેલી લક્ષ્મીને નારાયણની સેવામાં અર્થાત્ જેને તેની આપણા કરતા વધારે જરુર હોય તેવા તમામને માટે વાપરવામાં કચાશ રાખીશું અને માત્ર હું અને મારા ઓ પૂરતી ધૃતરાષ્ટ્ર ની જેમ સાચવી રાખીશું તો એ નાશ તો પામશે જ પણ સાથોસાથ કુટુંબનો પણ વિનાશ નોતરશે એ નિશ્ચિત છે. માટે પાણીનાં તરંગની જેમ ચપળ વિષ્ણુપ્રિયા નો પણ યોગ્ય સદુપયોગ કરવો જરૂરી છે.
નવા વર્ષે આપણે સૌ જીવનની ક્ષણભંગુરતા અને કાળની ગતિનો વિચાર કરીને આ જ જીવનમાં સુખનાં સાગર સમા પરમાત્માની પ્રાપ્તિરૂપી લક્ષની પ્રાપ્તિ જ જીવનનું એકમાત્ર ધ્યેય બની જાય તેવી સદ્ ગુરુજી નાં ચરણમાં વંદના કરી આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છુ.
–ધર્મેન્દ્રસિંહ રણા
મનુસ્મૃતિ. ગણેસનગર
તાલુકા પ્રાથમિક શાળા સામે,
વાલીયા જીઃ ભરૂચ ૩૯૩ ૧૩૫ (ગુજરાત)
Visit on
http://www.prernapiyush.wordpress.com/
http://www.prernapiyush.blogspot.com/
mail
manusmruti@gmail.com
Tele fax: 02643-270048
Mobile : 9427582895